બિરસા મુંડાના ફોટાવાળી ઘડિયાળની અલગ દુનિયા
આદિવાસી સમાજ આજે પણ પોતાની પરંપરા ભૂલ્યા નથી. પોતાની પરંપરા પ્રમાણે તેઓ તમામ કાર્યો જમણીથી ડાબી તરફ કરી રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં આદિવાસી સમુદાયના લોકોના ઘરોમાં પ્રવેશ કરીએ ત્યારે દીવાલ પર અલગ જ પ્રકારની ઘડિયાળ જોવા મળે છે. સમય જોવા માટે બનાવેલી તમામ ઘડિયાળો ડાબીથી જમણી તરફ ફરે છે. પરંતુ આદિવાસી સમાજે બનાવેલી ઘડિયાળ એવી છે, જે જમણીથી ડાબી તરફ ફરે છે અને સમય પણ સાચો જ બતાવે છે.
બ્રહ્માંડ, વિજ્ઞાાન, ધર્મ અને પ્રકૃતિ સાથે તાલ મિલાવતી આ આદિવાસી ઘડિયાળ હાલ આદિવાસી પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આદિવાસી સમુદાયના લોકોએ પોતાની વર્ષો જૂની માન્યતા મુજબ જમણીથી ડાબી તરફ ફરતી ઘડિયાળ બનાવી છે. બિરસા મુંડાના ફોટાવાળી આ ઘડિયાળ દુનિયાની અન્ય ઘડિયાળ કરતાં અલગ જ છે. બિરસા મુંડા આદિવાસી સમાજમાં આદરણીય મનાય છે. જેથી આ ઘડિયાળમાં બિરસા મુંડાનો ફોટો રાખ્યો છે, તેની સાથે જય જોહર, જય આદિવાસી લખેલ આદિવાસી ઘડિયાળ પણ જોવા મળે છે.
જાણો શું છે માન્યતા
આદિવાસી સમાજનું માનવું છે કે, આદિવાસીઓ પ્રકૃતિના પૂજક છે, તેમના મતે બ્રહ્માંડની આસપાસ ફરતાં પૃથ્વી સહિતના અન્ય ગ્રહો જમણેથી ડાબી તરફ ફરે છે. ફૂલ-વૃક્ષની વેલ જમણાથી ડાબી તરફ વધે છે, પૃથ્વી પણ પોતાની ધરી પર જમણેથી ડાબા પડખે ફરે છે. આ તમામ માન્યતાને ધ્યાનમાં રાખી આદિવાસી સમાજ જમીન ખેડવા માટે જમણી તરફથી હળ ચલાવી ખેતી કરતાં હોય છે. આ ઉપરાંત હાથથી ફેરવવામાં આવતી અનાજ દળવાની ઘંટી જમણી તરફથી ફેરવીને અનાજ દળતાં હોય છે. જ્યારે લગ્નના ફેરા પણ જમણી તરફથી ફેરવતા હોય છે અને લગ્નમાં ઢોલ શરણાઈ દ્વારા આદિવાસી નૃત્ય રમાય છે તે પણ જમણી તરફથી રમાય છે.
કુદરતના ખોળે વસેલો આદિવાસી સમાજ આજે પણ પોતાની પ્રાચીનતમ સંસ્કૃતિને જાળવીને બેઠો છે.
પ્રકૃતિ પ્રેમી આ સમાજ પ્રકૃતિમાંથી જ પ્રેરણા લે છે અને પ્રકૃતિના નિયમોને આજે પણ પાળવા માટેના પ્રયત્નો કરે છે. આધુનિકતાની તેજ દોડમાં પોતાની રૂઢીગત પરંપરાઓને પુરી નિષ્ઠા સાથે વળગી રહેલા આદિવાસીઓ આજે વિશ્વ આદિવાસી વિશ્વ અધિકાર દિવસ ઉજવી રહ્યા છે, ત્યારે આદિવાસીઓના સાંસ્કૃતિક વારસાને જાણીએ. ખાસ કરીને છેલ્લા થોડા વર્ષોમાં આદિવાસીઓમા ઝડપથી પ્રચલિત થયેલી આદિવાસી ઘડિયાળ અને તેના નિર્માણ પાછળનો તર્ક પણ કુદરત સાથે જ જોડાયેલો છે.
પ્રાકૃતિક નિયમોને માનનારો અને તેના પાલન પાછળ પોતાનુ જીવન ઘસી નાંખનારો સમાજ એટલે આદિવાસી. દુનિયામાં સમય બતાવતી ઘડિયાળોના કાંટાઓ ડાબેથી જમણી દિશામાં (ક્લોક વાઇઝ) ફરે છે, ત્યારે નવસારીમાં જમણેથી ડાબે (એંટીક્લોક વાઇઝ) ફરતા કાંટાઓવાળી એટલે ઉંધી ફરતી આદિવાસી ઘડિયાળ આશ્ચર્ય પમાડે છે. આદિવાસીઓની આ ઘડિયાળ પણ પ્રકૃતિના નિયમ આધારિત હોવાની અને તેના પાછળનો તર્ક પણ પ્રાકૃતિક હોવાનુ જાણવા મળ્યું છે.
પ્રકૃતિપ્રેમી આદિવાસીઓના મતે જે રીતે આપણી પૃથ્વી એની ધરી પર જમણેથી ડાબે ફરે છે, જે રીતે પાણીમાં થતા વમળો અને હવામાં ફુંકાતો વંટોળ પણ જમણેથી ડાબે ફરે છે. અને ખાસ કરીને આદિવાસીઓ જે પરંપરાગત અનાજ દળવાની બે પત્થરોની ઘંટીનો ઉપયોગ કરે છે, એ પણ જમણેથી ડાબે જ ફરતી હોય છે. જેથી આદિવાસી ઘડિયાળ જમણેથી ડાબે ફરીને સાચો સમય બતાવે છે.
પોતાની ભાતીગળ પરંપરાઓથી ઓળખાતો અને જીવતો આદિવાસી સમાજ મુખ્યત્વે ખેતી પર નિર્ભર રહ્યો છે. બંધારણમાં આદિવાસીઓને વિશેષાધિકારો આપવામાં આવ્યા છે, તેમ છતા આદિવાસીઓ વૈશ્વિક આડંબરથી દુર કુદરતના ખોળે રહીને પ્રકૃતિના પૂજન અને તેની અનુભૂતિ કરીને દુનિયાથી નોખા રહ્યો છે અને પોતાની સંસ્કૃતિને અમરત્વ આપ્યુ છે.