ગુજરાત રાજ્યમાં આવેલી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની હાલત દિન પ્રતિદિન વધુને વધુ દયનીય થતી જાય છે. હાલ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 8,000 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે.
બે વર્ષમાં ધો.11-12 સાયન્સની 23 ગ્રાન્ટેડ શાળા બંધ થઈ
છેલ્લા બે વર્ષમાં ધો. 11-12 વિજ્ઞાન પ્રવાહની 23 શાળાઓ બંધ થઈ ગઈ હોવાનું રાજ્યકક્ષાના એસોસિએશનના પ્રમુખ ભાનુભાઈ પટેલે જણાવ્યું હતું.
શાળાઓમાં ક્લાર્ક અને પટાવાળાની 2014થી ભરતી થઈ નથી
ગ્રાન્ટેડ શાળાઓમાં 2014ના વર્ષથી ક્લાર્ક અને પટાવાળાની ભરતી થઈ નથી. આ સંજોગોમાં ક્લાર્કની 1,800 અને પટાવાળાની 2,000 જેટલી જગ્યાઓ શાળાઓમાં ખાલી છે.
નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા ભરતી કરવા માંગ
ગત વર્ષે સરકારે 7000 શિક્ષકોની ભરતી કરી હતી. અંગ્રેજી અને ભૂગોળ સહિતના વિષયોમાં લાંબા સમયથી ભરતી થઈ નથી. આથી સરકારે 2026-27નું નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા ગ્રાન્ટેડ શાળાઓમાં 8000 શિક્ષકોની ભરતી કરવી જોઈએ.