2 લાખથી વધુ જગ્યા માટે ભરતી થશે
રાજ્ય સરકારના વહીવટ માટે અતિ મહત્ત્વના ગણાતા સામાન્ય વહીવટી વિભાગની કુલ રૂ. ૨૦૫૧.૨૭ કરોડની અંદાજપત્રીય માગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરાઈ હતી. આ વિભાગના બજેટમાં સૌથી મહત્ત્વની બાબત એ સામેલ કરાઈ છે કે, મિશન કર્મયોગી પ્રશિક્ષણ અભિયાન’ હેઠળ ૧.૭૫ લાખથી વધુ કર્મચારીઓને વર્તણૂકલક્ષી અને સંદેશા વ્યવહારની તાલીમ અપાશે. એવી જ રીતે અધિકારીઓની કામગીરીના મૂલ્યાંકન માટે ‘રિયલ ટાઈમ પરફોર્મન્સ મેઝરમેન્ટ સિસ્ટમ ૨.૦’ (RTPMS 2.0) લોન્ચ કરવામાં આવી છે. ગુજરાત સરકારે 2024થી 2033 સુધીના ૧૦ વર્ષ માટે ભરતી કેલેન્ડર તૈયાર કરીને અમલમાં મૂક્યું છે. જેના અંતર્ગત હવેના વર્ષોમાં વિવિધ સરકારી વિભાગોમાં અંદાજે ૨ લાખથી વધુ જગ્યાઓ માટે નવી ભરતી કરવાનું નક્કી કર્યું છે.
વિધાનસભા ગૃહમાં આ માગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના લાંબા ગાળાના આર્થિક આયોજન માટે ‘ગુજરાત રાજ્ય ઇન્સ્ટીટયુશન ફોર ટ્રાન્સફોર્મેશન’ (GRIT) કાર્યરત કરાયું છે. જે પાંચ મુખ્ય આર્થિક માસ્ટર પ્લાન તૈયાર કરશે. ધારાસભ્ય વિસ્તાર વિકાસ ગ્રાન્ટ રૂ. ૧.૫ કરોડથી વધારીને રૂ. ૨.૫ કરોડ કરવામાં આવી છે. વિકાસશીલ તાલુકા યોજના હેઠળ વિકાસશીલ તાલુકાઓને મળતી ગ્રાન્ટ ૨.૦ કરોડથી વધારીને ૨.૫ કરોડ અને એટીવીટી (ATVT) તાલુકા યોજના હેઠળ વિકાસશીલ તાલુકાઓની ગ્રાંટ રૂ. ૧ કરોડથી વધારીને રૂ. ૧.૫ કરોડ તથા નગરપાલિકાની વિવેકાધીન ગ્રાંટ રૂ. ૨૫ લાખથી વધારીને રૂ. ૫૦ લાખ અને જિલ્લા કક્ષાની વિવેકાધીન ગ્રાંટ રૂ. ૨ કરોડ કરવામાં આવી છે.
1992થી અત્યાર સુધીમાં કુલ 348 ઉમેદવારો UPSCમાં સફળ
રાજ્યના યુવાનો રાષ્ટ્રીયસ્તરે પોતાનું કૌવત બતાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ‘સ્પીપા’ (SPIPA)ના માધ્યમથી UPSC તાલીમ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગત અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા ખાતેના પ્રાદેશિક કેન્દ્રોમાં હાલ ૬૩૫ ઉમેદવારો તાલીમ લઈ રહ્યા છે. વર્ષ-૧૯૯૨થી અત્યાર સુધીમાં કુલ ૩૪૮ ઉમેદવારો UPSCમાં સફળ થયા છે. આ વર્ષે ઉત્તીર્ણ થનારા સૌથી વધુ ૩૫ ઉમેદવારોમાં નિસાર દિશાંત અમૃતલાલે સમગ્ર ભારતમાં ૧૯મો ક્રમ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
