રાજ્યમાં એસ ટી બસના ભાડાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. સરકારે ST બસના ભાડામાં વધારો કર્યો છે. આપને જણાવીએ કે, 10 વર્ષ બાદ સરકારે બસના ભાડામાં વધારો ઝીંકયો છે. પ્રતિકિલોમીટરના હિસાબે ભાડામાં વધારો કર્યો છે જેમાં લોકલ, એક્સપ્રેસ તેમજ એસી અને સ્લીપર સહિત તમામમાં વધારો કર્યો છે.
ગુજરાત સરકારે ST બસના ભાડામાં કર્યો વધારો.
આપને વિગતે જણાવીએ તો લોકલ બસમાં પ્રતિ કિલોમીટર 64 પૈસાની જગ્યાએ 80 પૈસા થયા છે. જ્યારે એક્સપ્રેસ બસમાં પ્રતિ કિલોમીટર 68 પૈસાની જગ્યાએ 85 પૈસા કરાયા છે અને નોન AC સ્લીપર કોચના પ્રતિકિલોમીટર 62ના 77 પૈસા કરાયા છે.
‘2014 પછી ભાડામાં સુધારો કરેલ નથી’
રાજ્ય માર્ગ વાહન વ્યવહારની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, એસ.ટી નિગમ દ્વારા સને 2014 પછી ભાડામાં સુધારો કરેલ નથી. જ્યારે અન્ય રાજ્યો દ્વારા પગાર, ડીઝલ તથા સ્પેરપાર્ટના ભાવ વધારાના ખર્ચને પહોંચી વળવા માટે ભાડામાં લગભગ દર વર્ષે વધારો કરવામાં આવે છે. જ્યારે ગુજરાત એસ.ટી નિગમ દ્વારા છેલ્લા 10 વર્ષથી મુસાફર ભાડામાં કોઈજ વધારો કરેલ નથી.જેમાં ભાડા વધારાની મુખ્ય બાબતો જણાવી છે કે, વર્ષ -2014 બાદ આજ દિન સુધી વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબજ વધેલ છે. લગભગ 10 વર્ષથી ગુજરાત એસ.ટી. નિગમના મુસાફર ભાડામાં કોઈ વધારો કરવામાં આવેલ નથી જ્યારે રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ,આન્ધ્રપ્રદેશ જેવા અન્ય રાજ્યો દ્વારા દર વર્ષે ભાડામાં વધારો કરવામાં આવેલ છે.
વધુમાં એમ પણ જણાવ્યું છે કે, નિગમની લોકલ સર્વિસોમાં કુલ મુસાફરો પૈકી 85% મુસાફરો (દરરોજ અંદાજીત 10 લાખ જેટલા) 48 કી.મી. સુધીની મુસાફરી કરે છે જેમાં માત્ર રૂ.1/- થી રૂ.6/- સુધીનો નજીવો ભાડા વધારો થવા પામે છે. જેથી રાજ્યના લોકલ સર્વિસોમાં મુસાફરી કરતા મુસાફરોને ભાડા વધારાથી નહિવત અસર થવા પામશે.
નવીન ભરતી કરાશે ?
માર્ગ વાહન વ્યવહારની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, નિગમ દ્વારા 2784 ડ્રાઈવર, 2034 કંડકટર, 2420 મિકેનિક અને 1603 ક્લાર્ક એમ મળી કુલ 8841 કર્મચારીઓની ભરતી કરવાનું આયોજન છે. જેના થકી વધુ શીડ્યુલ સંચાલિત થતા મુસાફરોને વધુ સારી પરિવહન સુવિધા આપવાનું આયોજન છે.
ઓફિશિયલ પરીપત્ર ડાઉનલોડ કરો